ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી આયોજિત જ્ઞાનોત્સવ 3.0 નો વધુ એક દિવસ લંબાવાયો
વિજ્ઞાન અને પ્રજ્ઞાનના સંયોગ સાથે શાળાના તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનોત્સવ એક પ્રેરણાદાયી કાર્યક્રમ સાબિત થયો છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી સહિત આણંદ તેમજ આસપાસના વિસ્તારોના લગભગ 50,000 થી પણ વધુ મુલાકાતીઓ આવ્યા હતા.

પ્રજાજનોના આ હકારાત્મક પ્રતિસાદના પરિણામે જ્ઞાનોત્સવ વધુ એક દિવસ એટલે કે 4 ફેબ્રુઆરી, 2025 ના દિવસે પણ ખુલ્લો રહેશે.
આ જ્ઞાનોત્સવ ઇવેન્ટમાં હેલ્થ ઝોન, VR મોડલ, ભારતીય ટુરિઝમ સ્પોર્ટ્સના ડમી મોડેલ્સ, અને ટેકનોલોજી આધારિત વિવધ પ્રોજેક્ટ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

NVPAS કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એટમોસ્ફેરિક વોટર જનરેટર અને સ્માર્ટ સ્ટ્રીટલાઈટ જેવા નવીન પ્રોજેક્ટસ રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે સાઇકોલોજી ડિપાર્ટમેન્ટે વિવિધ થેરાપી અને એક્ટિવિટીઝ દ્વારા મુલાકાતીઓનો માનસિક તણાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર ઇવેન્ટમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને આરોગ્ય ક્ષેત્રે નવીનતા તેમજ જાગૃતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ જ્ઞાનોત્સવમાં ઓન ધ સ્પોટ સ્કેચ, માટીના વાસણો બનાવવા, ગંદા પાણીનો નિકાલ અને એનો ફરીથી વપરાશ આધારિત મોડલ, બ્લોક પ્રિન્ટિંગ, અંગ્રેજી ભાષાની રમતો, ગૃહ ઉદ્યોગ આધારિત સૌંદર્ય પ્રસાધનો જેવા કે હર્બલ શેમ્પૂ, ફેસવોશ, હેર ઓઈલ, બોડી ઓઈલ; વૈજ્ઞાનિક સિધ્ધાંતો આધારિત મોડલ્સ, વોઇસ કંટ્રોલ ડ્રોન, વગેરેનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે જે સમાજને વિવિધ રીતે ઉપયોગી નીવડશે.

આ મોડલ્સ પૈકી ‘સી.વી.એમ.યુ. હોસ્પિટલ’ નામનું ડમી મોડલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ મોડલ દ્વારા હોસ્પિટલમાં હાઈજીન જાળવવા માટે કયા ખાસ પગલાં લેવા જોઈએ તથાં રિસેપ્શનથી ઓપરેશન થિયેટર સુધીની સફાઈની કડક વ્યવસ્થા કેવી રીતે રાખવી જોઈએ એ વિશે સમજાવવામાં આવ્યું છે.
મેડિકલ વેસ્ટને નિયમિત ડિસ્પોઝ કરવા માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ અને રોગીઓ અને કર્મચારીઓ માટે સ્વચ્છતાનાં નિયમોનું સખત પાલન અનિવાર્ય છે તે પણ સમજાવવામાં આવ્યુ છે.

આ ઉપરાંત, આ ઈવેન્ટમાં ફેશન ડિઝાઇનિંગ માટેનો એક સ્ટોલ રાખવામાં આવ્યો છે જેની વિશેષતા એ છે કે અહી મુલાકાતીઓ ડિઝાઇનને પોતાની રીતે કસ્ટમાઈઝ કરાવી શકે છે અને પોતાની સર્જનાત્મકતા વિકસાવી શકે છે.
આ સાથે ટેરેસ એંડ કિચન ગાર્ડનિંગ માટે ‘સ્માર્ટ પ્લાન્ટ મોનીટર’ અને ‘હાયડ્રોપોનીક્સ’ નામના મોડલ્સ રાખવામાં આવ્યા છે. જે આધુનિક સમયની જીવન વ્યવસ્થાઓને અનુરૂપ છે. આ ઇવેન્ટની જ્ઞાનથી ભરપૂર યાત્રા કર્યા પછી મુલાકાતીઓ ફૂડ ઝોનમાં પીરસાતી વિવિધ વાનગીઓનો પણ લ્હાવો લે છે.
આ કાર્યક્રમના અંતે દરરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્કિલ્સનાં પરફોર્મન્સ રજૂ કરવામાં આવે છે.
Leave a Reply