આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. અમર પંડ્યાને રાષ્ટ્રીય કક્ષાએ ‘EMINENT DOCTOR PERSONALITY’ એવોર્ડથી સન્માનિત કરાયા
ભારત સરકારના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકના હસ્તે આ ગૌરવવંતો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
આણંદ, મંગળવાર:::: ૧લી જુલાઈ ‘ડૉક્ટર્સ ડે’ નિમિત્તે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના વિશેષ કાર્યક્રમમાં આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. અમર પંડ્યાને ગુજરાત રાજ્યમાંથી “EMINENT DOCTOR PERSONALITY” એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારત સરકારના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકના હસ્તે આ ગૌરવવંતો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જે ગુજરાત અને આણંદ જિલ્લા માટે અત્યંત ગૌરવની બાબત છે.
આ રાષ્ટ્રીય પુરસ્કાર માટેની સિલેક્શન પ્રક્રિયા અત્યંત કડક અને પારદર્શી હોય છે. નેશનલ આઈ.એમ.એ.ની સ્પેશિયલ કમિટી દ્વારા દેશના વિવિધ રાજ્યોમાંથી ઉત્કૃષ્ટ સેવાઓ આપતા તબીબોની કામગીરી, સમર્પણ અને તબીબી ક્ષેત્રે આપેલા અભૂતપૂર્વ યોગદાનનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવે છે. રાજ્યવાર નામોની આ ચકાસણી દરમિયાન ડૉ. અમર પંડ્યાની નિષ્ઠાપૂર્વકની કામગીરીને ધ્યાને રાખીને તેમની આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડૉ. અમર પંડ્યા જૂન-૨૦૨૨ થી આણંદ જનરલ હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે હોસ્પિટલની તબીબી સેવાઓમાં નોંધપાત્ર સુધારો લાવીને અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને દર્દીઓને સેવાઓ પાર પાડી છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ઉત્તમ અને ત્વરિત સારવાર મળી રહે તે માટે તેઓ હંમેશાં તત્પર રહીને પ્રશંસનીય ફરજ બજાવી છે.
ગુજરાત રાજ્યના પ્રતિષ્ઠિત અને નામાંકિત તબીબ તરીકે રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવીને ડૉ. અમર પંડ્યાએ સમગ્ર રાજ્યનું નામ મેડિકલ ક્ષેત્રે રોશન કર્યું છે. નવી દિલ્હી ખાતે મળેલા આ બહુમાન બદલ આણંદ જિલ્લા વહીવટી તંત્ર, જનરલ હોસ્પિટલ પરિવાર, સ્થાનિક તબીબી આલમ અને અગ્રણીઓ દ્વારા તેમના પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.












Leave a Reply